વચનામૃત ગઢડા મધ્યનું - ૫૩
સંવત ૧૮૮૦ના વૈશાખ સુદિ ૫ પંચમીને દિવસ શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ગાદી-તકિયા બિછાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) શાસ્ત્રને વિષે જે મોહ કહ્યો છે તે મોહનું એ રૂપ છે જે જ્યારે હૃદયને વિષે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂઝે જ નહિ માટે પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહનું રૂપ છે. (૧) અને વળી જીવમાત્રને પોતાના ડહાપણનું અતિશે માન હોય પણ એમ વિચારે નહિ જે મુને મારા જીવની ખબર નથી જે આ શરીરમાં જીવ રહ્યો છે તે કાળો છે કે ગોરો છે કે લાંબો છે કે ટૂંકો છે એની કાંઈ ખબર નથી, તોપણ મોટાપુરુષ હોય અથવા ભગવાન હોય તેને વિષે પણ ખોટ કાઢે અને એમ સમજે જે આ મોટાપુરુષ છે અથવા ભગવાન છે, પણ આટલું ઠીક કરતા નથી એમ ખોટ કાઢે છે, પણ એ મૂર્ખો એમ નથી જાણતો જે એ ભગવાન તો અનંતકોટિ બ્રહ્માંડને વિષે રહ્યા એવા જે જીવ ને ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે. અને અનંતકોટિ બ્રહ્માંડના આધાર છે, ને લક્ષ્મીના પતિ છે, અને અનંતકોટિ બ્રહ્માંડના કર્તા-હર્તા છે, અને શેષ, શારદા ને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાના પારને પામતા નથી અને નિગમ પણ જેના મહિમાને નેતિ નેતિ કહે છે, માટે એવા જે પરમેશ્વર તેનાં ચરિત્રને વિષે ને તે ભગવાનની જે સમજણ તેને વિષે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો, અને સર્વ મૂર્ખનો રાજા જાણવો, અને ભગવાન ને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય તેને દેહાભિમાની જીવ ક્યાંથી સમજી શકે ? માટે પોતાની મૂર્ખાઈએ કરીને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેનો અવગુણ લઈને વિમુખ થઈ જાય છે. અને એ ભગવાનના ખરેખરા ભક્ત જે સત્પુરુષ હોય તે તો અલૌકિક દૃષ્ટિએ યુક્ત વર્ત્યા કરે છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૫૩।। (૧૮૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જેને પોતાના અવગુણ ન સૂઝે તે મોહનું રૂપ કહ્યું છે. (૧) અને મૂર્ખ જીવને પોતાની ખબર ન હોય જે હું કેવો છું તોપણ મોટાપુરુષને વિષે તથા અમારે વિષે ખોટ કાઢે, પણ અમે સર્વેના અંતર્યામી ને સર્વેના આધાર ને સર્વેના કર્તા છીએ એવો અમારો મહિમા સમજે નહિ ને અમારા ને અમારા ભક્તનાં ચરિત્રમાં દોષ દેખે છે તેણે કરીને વિમુખ થઈ જાય છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. બીજી બાબતમાં જીવ કાળો છે કે ગોરો છે કે લાંબો છે કે ટૂંકો છે એમ કહ્યું તે કાળો, ગોરો, લાંબો, ટૂંકો કેવી રીતે જાણવો ?
૧ ઉ. માયિક વિષયમાં રાગ હોય ત્યાં સુધી કાળો કહેવાય અને માયિક વિષયમાંથી રાગ ટળી જાય, પણ ઐશ્વર્યમાં રાગ હોય ત્યાં સુધી ગોરો કહેવાય. અને એ બેય પ્રકારની વાસના ટાળીને શ્રીજીમહારાજના તેજ સાથે એકતા કરીને શ્રીજીમહારાજની મૂર્તિને ધારતાં ધારતાં પોતાના આત્માને વિષે શ્રીજીમહારાજની મૂર્તિ દેખે તે લાંબો કહેવાય. અને શ્રીજીમહારાજના સાધર્મ્યપણાને પામીને સાકાર દિવ્ય મૂર્તિમાન થઈને શ્રીજીમહારાજની હજૂરમાં રહે અથવા શ્રીજીમહારાજના તદાકારપણાને પામીને મૂર્તિમાં રહ્યો થકો મૂર્તિના સુખને ભોગવે, તે ટૂંકો કહેવાય. ।।૫૩।।